રૃપિયો ૧૧ પૈસા તૂટી ૬૬.૯૩ ઃ એશિયા અને યુરોપમાં પણ ગાબડાં
અમદાવાદ/મુંબઈ તા.૭
ચાઈના મોટા આર્થિક સંકટમાં ફસાઈ ગયું હોવાના અને મહામંદી તરફ ધકેલાઈ
રહ્યું હોઈ ચાઈનાની પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સતત આઠમાં દિવસે તેના ચલણ યુઆનનો
રેફરન્સ રેટ નીચો રાખીને તેમાં અડધો ટકો ઘટાડો કર્યાની નેગેટીવ અસરે આજે
શાંઘાઈ શેર બજારમાં અઠવાડિયામાં બીજી મંદીની નીચલી સર્કિટ લાગતાં
શેરબજારમાં ટ્રેડીંગ પૂરો દિવસ બંધ કરવાની ફરજ પડી હતી. જેના આકરાં
પ્રત્યાઘાતે આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. જેમાં
આજે બીએસઇ સેન્સેક્સમાં ૫૫૫ પોઇન્ટ અને નિફ્ટીમાં ૧૭૩ પોઇન્ટનું ગાબડું
નોંધાયું હતું બીજી તરફ ક્રૂડ ઓઇલ ગગડીને ૩૩.૧૪ ડૉલરની ફેબુ્રઆરી ૨૦૦૪ની
નીચી સપાટીએ ઉતરી આવ્યુંહતું જ્યારે અમેરિકન ડૉલર સામે રૃપિયો ૧૧ પૈસા
તૂટીને ૬૬.૯૩ના નીચા મથાળે ઉતરી આવ્યો હતો.
ચાઈનાની ફોરેક્સ રિઝર્વ પણ ૧૯૯૨ બાદ પ્રથમ વખત યુઆનના ધોવાણના કારણે એક
વર્ષમાં ઘટીને આવ્યાની નેગેટીવ અસર જોવાઈ હતી. ચાઈનાની આ આર્થિક કટોકટીએ
વિશ્વ વિખ્યાત જયોર્જ સોરોસ દ્વારા પણ વૈશ્વિક કટોકટીની આગાહી કરવામાં
આવતાં વિશ્વના બજારોમાં ઘટાડાની તીવ્રતા વધી હતી. ક્રુડ ઓઈલના
આંતરરાષ્ટ્રીય ભાવ પણ આજે તૂટીને ૧૨ વર્ષના તળીયે આવી ગયા હતા.
ચાઈના વિશ્વને મહામંદીમાં ધકેલી દેશે એવા પૂરા સંકેત આપતાં આજે શાંઘાઈ
શેર બજારમાં ૨૫ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આરંભિક અડધા કલાકમાં જ હેમરીંગે
મંદીની નીચલી સર્કિટ લાગી જતાં દિવસના બાકી સમયમાં ટ્રેડીંગ બંધ કરવાની
ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે ચાઈનામાં એક દિવસ પૂર્વે જ આ કટોકટી સપાટી પર
આવી જઈ શાંઘાઈ શેર બજારમાં સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ સાત ટકાથી વધુ તૂટી જતાં
નવી સર્કિટ સિસ્ટમ મુજબ દિવસના બાકી સમયમાં શેરબજારમાં ટ્રેડીંગ બંધ કરવાની
ફરજ પડી હતી.
ત્યાર બાદ ચાઈનામાં સરકારની દરમિયાનગીરીએ ગઈકાલે શેરોમાં ખરીદી થતાં
ગાબડાં પડવાનું અટકયું હતું. પરંતુ સતત સાત દિવસ પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ
ચાઈનાની વિશ્વ બજારમાં નિકાસમાં સ્પર્ધામ્કતા કાયમ રાખવા તેના ચલણ યુઆન
માટેને રેફરન્સ રેટ નીચો રાખીને તેમાં અડધા ટકાનો ઘટાડો કર્યાને પરિસ્થિતિ
વિકટ હોવાનું લેખીને ફંડોએ શાંઘાઈ શેર બજારમાં આજે આરંભિક અડધા કલાકમાં જ
નીચલી સર્કિટ લગાવી દીધી હતી.
આ ઘટનાની સાથોસાથ જયોર્જ સોરોસ દ્વારા વૈશ્વિક કટોકટીની આગાહી કરવામાં
આવતાં વિશ્વ બજારોમાં નવો ધબડકો બોલાઈ ગયો હતો. ક્રુડ ઓઈલ બ્રેન્ટ ઘટીને
બેરલ દીઠ ૨૯.૭ ડોલર આવી ગયા હતા.ચાઈનાની રિઝર્વ વાર્ષિક ધોરણે વર્ષ ૨૦૧૫માં
૫૧૩ અબજ ડોલર ઘટીને ૩.૩૩ ડોલર રહી છે. ચાઈનાનો યુઆન અમેરિકી ડોલર સામે
પાંચ વર્ષના તળીયે આવી ગયો છે.
એશીયા-પેસિફિક દેશોના શેર બજારોમાં આજે ચાઈના-શાંઘાઈ શેર બજારનો સીએસઆઈ
૩૦૦ ઈન્ડેક્સ ૨૪૫.૪૨ પોઈન્ટ તૂટીને ૩૨૯૪.૩૮, શાંઘાઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સ
૨૩૬.૮૪ પોઈન્ટ ગબડીને ૩૧૨૫, હોંગકોંગ શેર બજારનો હેંગસેંગ ૬૪૭.૪૭ પોઈન્ટ
તૂટીને ૨૦૩૩૩.૩૪, જાપાનના ટોકયો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૪૨૩.૯૮
પોઈન્ટ તૂટીને ૧૭૭૬૭.૩૪, કોરિયાનો કોસ્પી ૨૧.૧૦ પોઈન્ટ તૂટીને ૧૯૦૪.૩૩,
તાઈવાન વેઈટેજ ૧૩૮.૩૩ પોઈન્ટ તૂટીને ૭૮૫૨.૦૬ રહ્યા હતા.
જ્યારે યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૩૪૭
પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્સ ૧૨૩ પોઈન્ટ, લંડન શેરબજારનો
ફુત્સી૧૦૦ ઈન્ડેક્સ ૧૭૦ પોઈન્ટનો ઘટાડો, સ્વીઝ માર્કેટ ૨૪૮ પોઈન્ટનો ઘટાડો
બતાવતા હતા. ચાઈનાની કટોકટી પાછળ વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક ધોવાણે નવા
કેલેન્ડર વર્ષના પ્રથમ ૬ દિવસમાં જ ૨.૫ ટ્રીલિયન ડોલર માર્કેટ
કેપિટલાઈઝેશનનું ધોવાણ થઈ ગયું છે.
No comments:
Post a Comment