(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ,શનિવાર
વર્ષ ૨૦૧૫ની શરૃઆત મજબૂતીએ કરીને એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગત
સપ્તાહમાં ક્રુડ ઓઈલ અને યુરોપ, એશીયાના અન્ય બજારો પાછળ સેન્સેક્સ-નિફટી
બેઝડ કડાકો બોલાવી દઈ ભારતીય બજારોમાં ફરી કાચાપોચા ખેલાડીઓને દૂર કરીને
પોતાની તેજીની પોઝિશન મજબૂત કરી છે. હેજ ફંડોના આ તોફાનમાં અમેરિકી ડોલરને
ગબડાવીને અને ભારતીય શેરોમાં કડાકો બોલાવીને નીચા ભાવોએ શેરો કોર્નર કરીને
નવા વર્ષ માટે ફંડ એલોકેશન કરી ફરી મોટી તેજીનો તખ્તો ગોઠવાઈ ગયાના સંકેત
મળી રહ્યા છે. જેના પરિણામે ગત સપ્તાહમાં કડાકામાં સૌ કોઈ મંદી, મંદી,
મંદીની બૂમરાળ પાડવા લાગી તેજીમાંથી મંદીમાં આવી મંદીનો વેપાર વધારવા
લાગ્યા અને આ જુગારીઓ, એફ એન્ડ ઓના ખેલંદાઓની બન્ને તરફના વેપારમાં ધુલાઈ
કરી આ ફંડો, મહારથીઓ પોતાની સ્થિતિ મજબૂત કરી ગયા છે, અલબત ઈન્ડેક્સ બેઝડ
હેજ ફંડો, મહારથીઓ હજુ ઉતરાણ પહેલાં વધુ જુગારીઓ-ખેલંદાઓનું અફડાતફડીમાં
બજારમાંથી ઉતરાણ કરાવે તો નવાઈ ન પામશો.
એફ એન્ડ ઓનો જુગાર રમનારાઓને ફરી ખુવાર કરાયા ઃ રોકાણકારો માટે ફરી સંપતિ સર્જન થવા લાગ્યું
એફ એન્ડ ઓનો જુગાર કહો કે કેસીનો કે પછી વિકલી ડબ્બામાં પારકી મૂડીએ
રમનારાઓનો ગત સપ્તાહમાં બરોબરનો સફાયો કરી દેવાયો છે. તેજીમાં રહેલા અને
પારકી મૂડીએ રમનારાઓને ક્રુડ ઓઈલના રેલામાં અને યુરોપ, એશીયાના અન્ય
બજારોના ધોવાણમાં સેન્સેક્સના ૮૫૦ પોઈન્ટનો કડાકો બોલાવી લૂંટી લેવાયા અને
તેજીમાંથી મંદીનો વેપાર માંડનારાઓને સપ્તાહના અંતિમ દિવસે અફડાતફડીમાં
છેલ્લે ફરી તેજી લાવીને મંદીનો વેપાર સરખો કરવા મજબૂર કરી લૂંટી લઈ ફરી આ
કેસીનોમાં તો ખુવારી જ ખુવારી છે, તેનો કડવો અનુભવ કરાવાયો છે. જ્યારે આ
કેસીનોથી દૂર રહેલા અને રોકાણકાર બની રહેલાઓ માટે ફરી ફંડોનું વેલ્યુબાઈંગ
શરૃ થઈ જઈ સંપતિનું સર્જન થવા લાગ્યું છે. જેથી ફરી ફરીને અહીંથી કહેવાનું
કે પૂરતી મૂડી કે માર્જિનની જોગવાઈ વિના એફ એન્ડ ઓના કેસીનો અને વિકલી
ડબ્બામાં રમવાથી દૂર રહેવું અને પોતાની મૂડીએ ટૂંકાગાળા માટે પૂરતી મૂડીએ
ટ્રેડીંગ કરવું કે રોકાણકાર બનવું જ હિતાવહ છે.
એફઆઈઆઈની ગત સપ્તાહમાં ચાર દિવસમાં વેચવાલી છતાં ફયુચર્સ થકી સેન્સેક્સ-નિફટી મેનેજ કરાયા
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકી રોકાણકારોએ ગત સપ્તાહમાં સેન્સેક્સમાં એક જ
દિવસમાં ૮૫૦ પોઈન્ટથી વધુ કડાકો બોલાવી કેશ માર્કેટમાં સતત ચાર દિવસમાં
રૃ.૩૨૦૦ કરોડથી વધુ રકમના શેરોની ચોખ્ખી વેચવાલી નોંધાવી છે, પરંતુ આ
વિદેશી ફંડોએ સેન્સેક્સ-નિફટી બેઝડ ફરી કોર્પોરેટ પરિણામોની સીઝનની શરૃઆત
ઈન્ફોસીસના અપેક્ષાથી સારા પરિણામ થતાં સ્ટોક ફયુચર્સમાં સપ્તાહના અંતિમ
દિવસે આઈટી, ઓઈલ-ગેસ, ફાર્મા ફ્રન્ટલાઈન શેરોમાં લેવાલી કરીને સેન્સેક્સને
૨૭૫૦૦ અને નિફટીને ૮૩૦૦ ઉપર મેનેજ કરી ખેલાડીઓને મૂંઝવવાનો ખેલ ખેલાયો છે.
ટૂંકમાં ફંડો, મહારથીઓએ પાછલા સપ્તાહમાં કડાકામાં બજારમાં તેજીના નવા
રાઉન્ડ પહેલા ઘણાં ખેલંદાઓનું ઉતરાણ પહેલા હજુ ઉતરાણ કરાવવાનો ખેલ આગામી
સપ્તાહમાં પણ ખેલાતો રહેવાની શકયતા છે.
ફુગાવાના દરમાં ઘટાડો અને નવેમ્બર મહિનાના આઈઆઈપીમાં નબળાઈના સંજોગોમાં રેટ કટ વહેલો આવી શકે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લાંબા સમયથી ઉદ્યોગોની રેટ કટની માંગને
પૂરી નહીં કરીને નિરાશ કરવામાં આવી રહ્યા છે, ક્રુડ ઓઈલના સતત ઘટતાં ભાવ
અને તેના પરિણામે ઘટવા લાગેલા ફુગાવા-મોંઘવારીના દર પોઝિટીવ પરિબળો છે,
છતાં રેટ કટથી દૂર રહેલી આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન હવે આગામી સપ્તાહમાં
જાહેર થનારા ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિ-આઈઆઈપીના નવેમ્બર ૨૦૧૪ મહિનાના આંક
અને નબળા આવવાના સંજોગોમાં અને ડિસેમ્બર ૨૦૧૪ મહિનાના જાહેર થનારા ફુગાવાના
આંક વધુ ઘટીને આવવાના સંજોગોમાં વાઈબ્રન્ટ બની વહેલો અને અપેક્ષાથી વધુ
રેટ કટ આપીને આશ્ચર્ય સર્જે તો નવાઈ નહીં હોય.
આગામી સપ્તાહમાં ટીસીએસ, બજાજ ઓટો, પરિણામો સાથે નવેમ્બરના આઈઆઈપી, ડિસેમ્બરના ફુગાવાના આંક પર નજર
કોર્પોરેટ પરિણામોની ત્રીજા ત્રિમાસિકની સીઝનની ઈન્ફોસીસના પરિણામથી
અપેક્ષાથી સારી શરૃઆત થઈ છે, છતાં આગામી સપ્તાહમાં વધુ કંપનીઓના જાહેર
થનારા પરિણામો અને નવેમ્બર ૨૦૧૪ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના
૧૨,જાન્યુઆરી ૨૦૧૫ના જાહેર થનારા આંક અને ડિસેમ્બર ૨૦૧૪ મહિનાનો કન્ઝયુમર
પ્રાઈસ ઈન્ડેક્સ-ફુગાવાનો જાહેર થનારા આંક તેમ જ બુધવાર ૧૪,જાન્યુઆરી
૨૦૧૫ના જાહેર થનારા હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ-ડબલ્યુપીઆઈ ફુગાવાના આંક બજારના
ટ્રેન્ડ માટે મહત્વના બની રહેશે. ઓકટોબર ૨૦૧૪ મહિનાનો ઔદ્યોગિક ઉત્પાદન
વૃદ્વિના નેગેટીવ ૪.૨ ટકા જાહેર થયેલા આંકે આશ્ચર્ય સર્જયું હતું. જેથી
નવેમ્બર મહિનામાં પણ ઉત્પાદન વૃદ્વિનો આંક નબળો આવવાના સંજોગોમાં બજારમાં
ઈન્ડેક્સ બેઝડ અફડાતફડી વધવાની શકયતા રહેશે. જે સેન્સેક્સને ૨૭૮૧૧ થી ૨૬૯૧૧
વચ્ચે અને નિફટી સ્પોટને ૮૩૮૮ થી ૮૧૧૧ વચ્ચે અથડાવશે. કોર્પોરેટ
પરિણામોમાં આગામી સપ્તાહમાં મંગળવારે ઈન્ડસઈન્ડ બેંક, બુધવારે યશ બેંક,
ગુરૃવારે ટીસીએસ અને બજાજ ઓટોના પરિણામો અને શુક્રવારે એકસીસ બેંક અને
વિપ્રોના ત્રિમાસિક પરિણામો પર નજર રહેશે.
શ્રી રેણુકા સુગર્સ લિમિટેડ
અહીંથી અમોએ સુગર ઈન્ડસ્ટ્રીઝના શેરો પર ધ્યાન આપવા સૌ પ્રથમ
૧૪,ડિસેમ્બર ૨૦૧૪ના અને સુગર ઉદ્યોગની કંપનીઓના શેરો પર નજર રાખવા જણાવ્યું
હતું. ટૂંક સમયમાં સુગર ઉદ્યોગ માટે નિકાસ સબસીડી જેવા સારાં પગલાં આવવાની
શકયતા છે. જેના સૌથી વધારે ફાયદા શ્રી રેણુકા સુગર્સ લિમિટેડને થશે, જેથી
ટૂંક સમય માટે જેમને ટ્રેડીંગ કરવું હોય તે આ સ્ક્રીપમાં રૃ.૨૧ની શકયતાએ
રૃ.૧૪.૫૦ના સ્ટોપ લોસે ટ્રેડીંગ કરી શકાય. ખાસ નોંધ ઃ આ ટ્રેડીંગ કોલને
અહીંથી કોઈ પોર્ટફોલિયોમાં વેલ્યુએશન આપવામાં આવશે નહીં કે સમીક્ષા કરવામાં
આવશે નહીં.
ડાર્ક હોર્સ ઃ પીએનબી ગિલ્ટસ લિમિટેડ
બીએસઈ(૫૩૨૩૬૬), એનએસઈ PNBGILTS, રૃ.૧૦ પેઈડ-અપ વર્ષ ૧૯૯૬માં રિઝર્વ બેંક
ઓફ ઈન્ડિયા દ્વારા સરકારી સિક્યુરિટીઝ માર્કેટના સંસ્થાકીય માળખાને મજબૂત
કરવાના ઉદ્દેશથી દાખલ કરાયેલી પ્રાઈમરી ડીલર્સ સિસ્ટમ બાદ ભારતની સૌથી મોટી
પીએસયુ બેંકો પૈકી એક પંજાબ નેશનલ બેંક(પીએનબી)ની સંપૂર્ણ માલિકીની
સબસીડિયરી તરીકે રૃ.૫૦ કરોડની શરૃઆતની મૂડી સાથે શરૃ કરાયેલી પીએનબી
ગિલ્ટસ લિમિટેડ ભારતમાં ૨૫.૯૩ ટકા પબ્લિક શેર હોલ્ડિંગ ધરાવતી અને એકમાત્ર
લિસ્ટેડ પ્રાઈમરી ડીલર છે. કંપનીએ ૩૦, સપ્ટેમ્બર ૨૦૧૪ના પૂરા થયેલા બીજા
ત્રિમાસિકમાં ગત વર્ષના સમાનગાળાની તુલનાએ વ્યાજ ખર્ચમાં નજીવા ૧ ટકાના
વધારાને પરિણામે ચોખ્ખી આવક ૫૬૮ ટકાના ઉછાળે રૃ.૧૯.૯૯ કરોડ નોંધાવી ચોખ્ખો
નફો ૨૫૯૫ ટકાના જંગી ઉછાળે રૃ.૧૧.૩૭ કરોડ હાંસલ કરી ત્રિમાસિક શેર દીઠ
આવક-ઈપીએસ રૃ.૦.૬૩ નોંધાવી ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કર્યા છે. કંપનીએ
જૂન,૨૦૧૪ના પ્રથમ ત્રિમાસિક એપ્રિલ થી જૂન ૨૦૧૪માં પણ ચોખ્ખી આવક રૃ.૧૦૪.૩૯
કરોડ મેળવી ચોખ્ખો નફો રૃ.૨૬.૭૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૧.૪૮ હાંસલ
કરી હતી.
કંપની દેશના ફિકસ્ડ ઈન્કમ માર્કેટને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી
રહી છે. પ્રાઈમરી ડીલર તરીખે કંપનીએ સરકારને ગવર્મેન્ટ સિક્યુરીટીઝ ઈસ્યુના
અંન્ડરરાઈટીંગ તેમ જ ફિકસ્ડ ઈન્કમ સાધનો જેવા કે ગર્વમેન્ટ સિક્યુરિટીઝ-જી
સેક, ટ્રેઝરી બિલ્સ, સ્ટેટ ડેવલપમેન્ટ લોન, કોર્પોરેટસ બોન્ડસ, ઈન્ટરેસ્ટ
રેટ સ્વોપ્સ અને વિવિધ મની માર્કટ સાધનો જેવા કે સર્ટિફિકેટ ઓફ ડીપોઝિટીસ,
કમર્શિયલ પેપર્સ વગેરેના ટ્રેડીંગ થકી સરકારના ઋણૃ-બોરોઈંગ પ્રોગ્રામને પાર
પાડવામાં મહત્વનો ટેકો પૂરો પાડે છે. આ સાથે કંપની પ્રોવિડન્ટ ફંડો,
ટ્રસ્ટો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, કોર્પોરેટસ વગેરે વિશાળ
ગ્રાહકો ધરાવે છે. કંપની તેના સ્વતંત્ર માર્કેટીંગ અને સેલ્સ ટીમ થકી
ગ્રાહકોની જરૃરીયાત લક્ષી સર્વિસ પૂરી પાડે છે. આ ઉપરાંત બધી ઈન્વેસ્ટમેન્ટ
જરૃરીયાતો માટે વન સ્ટોપ શોપ બની તેના ગ્રાહકોને સરકારી સિક્યુરિટીઝ
પોર્ટફોલિયોની જાળવણી માટે મજબૂત રીસર્ચ થકી એડવાઈઝરી સર્વિસ પણ પૂરી પાડે
છે. ક્રુડ ઓઈલના સતત ઘટતાં આંતરરાષ્ટ્રીય ભાવ અને ઘણી કોમોડિટીઝના ભાવમાં
ઘટાડાએ ફુગાવો-મોંઘવારીનો આંક નીચો આવતો જાય છે, અને તાજેતરમાં જ સરકારને
પીએસયુ ડીસઈન્વેસ્ટમેન્ટમાં મળેલી સફળતા બાદ વધુ કંપનીઓમાં
ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રો ગ્રામ પાર પડવાની અપેક્ષા અને સરકારી ખર્ચામાં
નિયંત્રણો થકી રાજકોષીય ખાધ પણ ઘટવાના સર્જાઈ રહેલા પોઝિટીવ પરિબળોએ સરકારી
સિક્યુરિટીઝ-જી-સેક અને બોન્ડ માર્કેટમાં તેજી અપેક્ષિત હોઈ તેમ જ ઋણ-ડેટ
માર્કેટમાં રોકાણની તકો વધવાની આ સ્થિતિ સર્જાવાના સંજોગોમાં પીએનબી ગિલ્ટસ
માટે સારી તકો સર્જાવાના અને કંપની સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં
ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરી શકે એમ છે. બુક વેલ્યુ ઃ માર્ચ ૨૦૧૨માં
રૃ.૪૨.૭૯, માર્ચ ૨૦૧૩માં રૃ.૪૬.૧૫, માર્ચ ૨૦૧૪માં રૃ.૩૬.૯૭, અપેક્ષિત માર્ચ
૨૦૧૫માં રૃ.૪૧.૨૩
નાણાકીય પરિણામ ઃ (૧) માર્ચ ૨૦૧૩ના નાણાકીય વર્ષમાં ચોખ્ખી આવક ૧૫૨.૩૯
ટકા ઉછાળે રૃ.૧૦૦ કરોડ મેળવી ચોખ્ખો નફો ૧૯૦.૯૭ ટકાના ઉછાળે રૃ.૬૧.૨૫ કરોડ
નોંધાવી શેર દીઠ આવક રૃ.૩.૪ હાંસલ કરી હતી. (૨) માર્ચ ૨૦૧૪ના નાણાકીય
વર્ષમાં ચોખ્ખી આવક રૃ.૧૦૩.૬૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૃ.૬૧.૩૮ કરોડ નોંધાવી
શેર દીઠ આવક રૃ.૩.૪ હાંસલ કર્યા હતા. (૩) ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫ના
પ્રથમ ત્રિમાસિક એપ્રિલ થી જૂન ૨૦૧૪માં ચોખ્ખી આવક રૃ.૧૦૪.૩૯ કરોડ મેળવી
ચોખ્ખો નફો રૃ.૨૬.૭૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૧.૪૮ હાંસલ કરી હતી. (૪)
બીજા ત્રિમાસિક જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૪માં ચોખ્ખી આવક ૫૫૮ ટકાના ઉછાળે
રૃ.૧૯.૯૯ કરોડ મેળવી ચોખ્ખો નફો ૨૫૯૫ ટકાના ઉછાળે રૃ.૧૧.૩૭ કરોડ નોંધાવી
શેર દીઠ આવક રૃ.૧.૪૮ હાંસલ કરી છે. (૫) આમ પ્રથમ છ માસિક એપ્રિલ થી
સપ્ટેમ્બર ૨૦૧૪માં ચોખ્ખી આવક ૫ ટકાની વૃદ્વિએ રૃ.૬૩.૬૧ કરોડ મેળવી ચોખ્ખો
નફો ૪ ટકા વૃદ્વિએ રૃ.૩૮.૦૪ કરોડ નોંધાવી શેર દીઠ અર્ધવાર્ષિક આવક રૃ.૨.૧૧
હાંસલ કરી લીધી છે. (૬) કંપની સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫માં ચોખ્ખી આવક
રૃ.૧૩૧.૪૭ કરોડ થકી ચોખ્ખો નફો રૃ.૭૭.૫૧ કરોડ થકી શેર દીઠ આવક રૃ.૪.૩
અપેક્ષિત છે. આમ બુક વેલ્યુ રૃ.૪૧.૨૭ અપેક્ષિત છે. જે કંપનીનો શેર અત્યારે
રૃ.૨૮.૪૫ ભાવે એનએસઈ, બીએસઈ પર અપેક્ષિત કમાણી સામે પ્રી મિયમને બદલે ૩૨
ટકા ડિસ્કાઉન્ટે ૬.૬૧ના પી/ઈએ ઉપલબ્ધ છે.
વેલ્યુએશન ઃ BBB આમ (૧) પંજાબ નેશનલ બેંકના ૭૪.૦૭ ટકા પ્રમોટર્સ
હોલ્ડિંગની અને ૨૫.૯૩ ટકા પબ્લિક શેર હોલ્ડિંગની એકમાત્ર લિસ્ટેડ પ્રાઈમરી
ડીલર કંપની (૨) સપ્ટેમ્બર, ૨૦૧૪ના બીજા ત્રિમાસિકમાં ચોખ્ખી આવકમાં ૫૬૮
ટકાનો ઉછાળો અને ચોખ્ખા નફામાં ૨૫૯૫ ટકાનો ઉછાળો નોંધાવનાર (૩) ક્રુડ ઓઈલના
ઘટતાં ભાવ સાથે ઘણી કોમોડિટીઝના પણ ઘટતાં ભાવે ફુગાવો ઘટી રહ્યો હોઈ
રાજકોષીય ખાધમાં વધુ ઘટાડો અપેક્ષિત હોઈ અને સરકારને મળી રહેલી
ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પાર પાડવામાં સફળતાંને જી-સેક, સરકારી
બોન્ડસના બજારમાં તકો વધવાની અપેક્ષાએ સંપૂર્ણ વર્ષમાં અપેક્ષિત ઈપીએસ
રૃ.૪.૩ અને બુક વેલ્યુ અપેક્ષિત રૃ.૪૧.૨૩ સામે રૃ.૨૮.૪૫ ભાવે ૩૨ ટકા
ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ રોકાણ માટે ધ્યાનમાં લઈ શકાય.
ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી ઃ (૧) લેખકનું ઉપરોકત
કંપનીઓમાં કોઈ હોલ્ડિંગ નથી.(૨) રીચર્સ માટેના અમારા સ્ત્રોત જેમ કે
બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો
મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩)
રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે.
(૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને
રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને
ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. હાલનો ટ્રેન્ડ
સ્થિર સરકાર, એફઆઈઆઈ રોકાણ પ્રવાહ, જીડીપીમાં ગ્રોથ, વડાપ્રધાનની
કાર્યક્ષમતાને લીધે છે. અમારે લીધે નથી. અમે પોતાને ક્રેડિટ દેતાં નથી. (૬)
ફીડબેક ઈ-મેઈલ ઃ arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને
પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે
પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક,
તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી
શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.